Wednesday 20 May 2015

Lહોલિરુડ મહેલ બ્રિટનની મહારાણીનું સ્કોટલેન્ડ ખાતેનું સરકારી નિવાસ છે. અહીં વર્ષભર લાખો પ્રવાસીઓ આવે છે, પરંતુ તેમના આવવાનું કારણ માત્ર રાણીનો મહેલ જ નહીં, ત્યાં ભટકતાં ભૂત છે. મહેલમાં અનેક લોકોને વિચિત્ર અનુભવો થાય છે. અચાનક માથું દુખે છે, ભૂતોનાં પગલાંનો અવાજ સાંભળવા મળે છે, તેમની આહટનો અહેસાસ થાય છે. મહેલમાં એક રૂમ એવો છે જ્યાં લાગેલા લોહીના ધબ્બા કોઈ પણ રીતે સાફ થતા નથી. આ મહેલ પહેલેથી આટલો ડરામણો નહોતો. હોલિરુડ મહેલના ભૂતિયા મહેલ બનવા પાછળ ૪૦૦ વર્ષ જૂની એક ઘટના જવાબદાર છે.
બ્રિટનની મહારાણી એલિઝાબેથનો મહેલ હોલિરુડ કાસલ જેટલો ઐતિહાસિક છે એટલો જ રહસ્યમયી પણ છે. આજ સુધી જેણે પણ આ કિલ્લા કે મહેલમાં પગ મૂક્યો છે તેની સાથે કંઈક ને કંઈક અજીબ જરૂર થયું છે. કોઈનો સામનો રૂહ કંપાવી દેવાના ખોફ સાથે થયો તો કોઈને વિચિત્ર રીતે અણધાર્યા ઘા મળ્યા છે. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં આવેલ હોલિરુડ મહેલ ને કિલ્લામાં પહેલાંનાં રાજા-રાણીઓનો આત્મા ભટકે છે અને જ્યાં જુઓ ત્યાં ભૂત જ ભૂત છે. આ ભૂત આખાય મહેલ ને કિલ્લામાં ખૂબ ધમાચકડી કરે છે. અહીં આવનારા મોટાભાગના પ્રવાસીઓ મહેલમાં ભૂત હોવાની વાત જણાવે છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે એક નહીં, પણ વીસ-વીસ લોકો એક જ પ્રકારના ભૂતનું વર્ણન કરે છે. આ ભૂતિયા મહેલ પાછળ એક રસપ્રદ કહાની જોડાયેલી છે.
સોળમી શતાબ્દીની વાત છે. હોલિરુડના કિલ્લામાં એક ખૂબસૂરત ક્વીન મેરી રહેતી હતી. ઈ.સ. ૧૫૬૫માં ક્વીન મેરીનાં લગ્ન લોર્ડ હેનરી સાથે થયાં હતાં. તેમનું દાંપત્યજીવન શરૂઆતમાં સુખમય હતું, પરંતુ થોડા જ સમયમાં કોઈ કારણસર મેરીને હેનરીથી અણગમો થઈ ગયો. હેનરી માટે મેરીના દિલમાં પ્રેમ કે લાગણી જેવું કંઈ જ નહોતું રહ્યું. જોકે, આમ થવા પાછળનું કારણ ડેવિડ નામની વ્યક્તિ હતી. ક્વીન મેરી ડેવિડને પ્રેમ કરવા લાગી હતી. તેઓ દિવસે ને દિવસે એકબીજાની વધારે નજીક આવતાં ગયાં. તેમના આ પ્રણયસંબંધની જાણ ધીરે ધીરે રાજા સહિત સૌને થઈ ગઈ. હેનરી ક્વીન મેરીને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેથી તેણે મેરીને ડેવિડ સાથેના સંબંધોનો અંત લાવી દેવા કહ્યું, પરંતુ ક્વીન મેરી પર હેનરીની વાતની કોઈ અસર ન થઈ. ક્વીન મેરી હવે ખુલ્લેઆમ ડેવિડ સાથે જોવા મળતી હતી. ડેવિડ મહેલમાં પણ આવતો હતો. હવે ક્વીન મેરીનો ડેવિડ પ્રત્યેનો પ્રેમ અને હેનરી સાથેની દગાબાજી જગજાહેર થઈ ગયાં હતાં.
ક્વીન મેરીની બેવફાઈને લીધે હેનરીનો ગુસ્સો સાતમા આસમાને હતો. એક દિવસ મેરી જ્યારે ડેવિડ સાથે શાહી ભોજનનો લુત્ફ ઉઠાવી રહી હતી ત્યારે જ રાજા હેનરીના આદેશથી સિપાઈઓ ત્યાં આવ્યા અને તેમણે ડેવિડને પકડી લીધો. ત્યારબાદ તેને મહેલના એક રૂમમાં લઈ ગયા અને તેની હત્યા કરી નાખી.
એવું કહેવાય છે કે ત્યારથી ડેવિડનો આત્મા મહેલ અને હત્યા થઈ હતી તે રૂમમાં ફરતો જોવા મળે છે. આજેય કોઈ વ્યક્તિ તે રૂમમાં જાય તો તેને અચાનક જ માથામાં તીવ્ર દુખાવો થાય છે, અજીબ પ્રકારની ગૂંગળામણનો અહેસાસ થાય છે. ઘણાં લોકો ડેવિડનું ભૂત જોયું હોવાનો દાવો પણ કરે છે. જે રૂમમાં ડેવિડની હત્યા થઈ હતી ત્યાં લોહીના ડાઘ જતા નથી.
ડેવિડની હત્યા પછી થોડા જ દિવસોમાં હેનરીની હત્યા થઈ અને શંકાની સોય ક્વીન મેરી તરફ ગઈ. આ દરમિયાન ક્વીન મેરી મહેલ છોડીને ફરાર થઈ ગઈ. તે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ, પરંતુ ત્યાં પણ તેની મુશ્કેલીઓ ઓછી ન થઈ. રાજગાદીની વિરુદ્ધ ષડ્યંત્રમાં સામેલ થવાના આરોપસર તેનો શિરચ્છેદ કરી નાખવામાં આવ્યો.
આમ, રાજા, રાણી અને તેનો આશિક એમ કોઈ પણ પ્રેમ ન પામી શક્યાં. ત્રણેય પ્રેમતરસ્યા આત્માઓ આજેય હોલિરુડના મહેલ અને કિલ્લામાં ભટકી રહ્યા છે.

No comments:

Post a Comment