Friday 22 May 2015

તમને વાંચવાનો બહુ જ શોખ છે. આ માટે તમે લાઇબ્રેરીમાં જતા હોવ છો. તમને ત્યાં કોઈ હેરાન કરતું નથી. ધારો કે ત્યાં જ તમારી આજુબાજુથી કોઈ ભૂત, કોઈ પરછાઈ કે હવામાં તરતી કોઈ માનવાકૃતિ પસાર થઈ જાય તો? તમારી હાલત શું થાય? જો કોઈને એમ લાગતું હોય કે એમાં વળી ડરવાનું શું? તો તેમની બહાદુરી જોવા એક વાર સાચે જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તેવી જગ્યાએ તેમને લઈ જવા પડે. આજથી લગભગ ૧૩૦ વર્ષ પહેલાં શરૂ થયેલી એક લાઇબ્રેરીની વાત છે. વિક્ટોરિયન શૈલીની સરસ ભવ્ય ઇમારત. તેના મૂળ માલિકના નામ પરથી રાખવામાં આવેલું એ ઇમારતનું નામ અને ત્યારબાદ તે જ નામ પરથી તે ઇમારતમાં બનાવવામાં આવેલી લાઇબ્રેરીનું પણ નામ રાખવામાં આવ્યું. ઇન્ડિયાનાના કેન્ટસ્કીની વોલબરા નદીથી જમણી તરફ આવેલા ઇવાન્સવિલેમાં એક ઇમારત ખૂબ જાણીતી છે. ફર્સ્ટ એવન્યુની આ ઇમારત આમ તો બની હતી ૧૮૮૧માં, જેનો ઉપયોગ ૧૮૮૫માં શરૂ થયો હતો. આ ઇમારતને ૧૩૦ વર્ષ થવા આવ્યાં. વિલાર્ડ કાર્પેન્ટર નામના એક રઈશે કે જેમને 'પાયોનિયર ઓફ પબ્લિક ચેરિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે ૧૮૭૬માં એક ટ્રસ્ટ બનાવ્યું. તેમણે એક મોટા ગાર્ડન સાથેની એક ભવ્ય પ્રોપર્ટી બનાવી હતી. પાછળથી તેમણે આ ઇમારતને એક ભવ્ય લાઇબ્રેરી બનાવવાનો વિચાર કર્યો. વિલાર્ડનું સપનું જ્યારે પૂર્ણ થયું અને લાઇબ્રેરી ૧૮૮૫માં ખુલ્લી મૂકવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, "આ લાઇબ્રેરી બનાવવા પાછળનો મારો આશય છે કે ઇવાન્સવિલે આર્ટ, કલ્ચર અને ઇન્સ્ટિટયૂશનમાં ખૂબ પ્રગતિ કરે, આગળ વધે અને તેથી જ હું આ લાઇબ્રેરી સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકું છું." મિ. કાર્પેન્ટરના કિસ્સામાં અજબ બન્યું. કહેવાય છે કે વિલાર્ડની એક દીકરી હતી. લુઇસ કાર્પેન્ટર, જેને વિલાર્ડનું વર્તન નહોતું ગમ્યું. તે નહોતી ઇચ્છતી કે તેના પિતા તેમની આટલી મોટી પ્રોપર્ટી કોઈ લાઇબ્રેરી બનાવવા માટે આપી દે. વિલાર્ડનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમણે તેની વસિયતમાં પણ તેના તમામ પૈસા આ લાઇબ્રેરીને દાનમાં આપી દીધા હતા. પુત્રી લુઇસને વિલાર્ડે પોતાની વસિયતમાંથી પણ બાકાત રાખી. આખરે ૧૮૯૦માં લુઇસે વિલાર્ડ લાઇબ્રેરી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો. તેની દલીલ હતી કે તેના પિતાએ લાઇબ્રેરીને જે પૈસા આપ્યા હતા તે લાઇબ્રેરી તેને પરત કરે, કારણ કે તે વિલાર્ડની દીકરી હોઈ તેમના પૈસા પર સાચો હક્ક તેનો બને છે. લુઇસ કોર્ટમાં કેસ હારી ગઈ. લાઇબ્રેરી પાસેથી તેને એક પણ રૂપિયો ન મળ્યો પણ લુઇસ માનવા જ તૈયાર ન હતી. તેણે ફરી ઉપરની કોર્ટમાં અપીલ કરી, પણ લુઇસ ત્યાં પણ કેસ હારી ગઈ. બંને કોર્ટમાંથી કેસ હારી જતાં લુઇસને બહુ જ ગુસ્સો આવ્યો. તે કોઈ પણ સંજોગોમાં પોતાની આ હાર સ્વીકારવા તૈયાર નહોતી અને કહે છે કે તેણે પોતાની બાકીની આખી જિંદગી ખૂબ તકલીફમાં વિતાવી હતી. લુઇસ તેની આખી જિંદગી દરમિયાન લાઇબ્રેરી માટે ઝેર ઓકતી રહી અને આ જ બધાં કારણોથી તે મરી ત્યારે પણ તેના આત્માને શાંતિ નહોતી મળી. આમ તે અધૂરી ઇચ્છાને લઈને જ વિશ્વમાંથી ગઈ. કેટલાંક એમ પણ કહે છે કે વિલાર્ડની આ દીકરીનું નામ લુઇસ નહીં પણ સારાહ હતું, જેને આજે લોકો લેડી ઇન ગ્રે તરીકે ઓળખે છે અને લેડી ઇન ગ્રેનું એટલે કે લુઇસનું યા સારાહનું ભૂત આજે પણ વિલાર્ડ લાઇબ્રેરીમાં રહે છે. જ્યારે બીજી એક લોકવાયકા અનુસાર૧૯૮૫માં એક ખૂબ જાણીતા પેરાસાઇકોલોજિસ્ટ મિસિસ લ્યુકાઇલ વોરેનને આ લાઇબ્રેરીમાં તપાસ અને રિસર્ચ કરવા બોલાવવામાં આવ્યાં હતાં. તેમનું મંતવ્ય અને રિસર્ચ કંઈક અલગ છે. તેઓ કહે છે કે મિસિસ વોરેને આ લેડીનું ભૂત સૌ પ્રથમ ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીના હિસ્સામાં જોયું હતું. તેમણે પોતાના રિસર્ચ પેપરમાં આ ભૂત વિશે એટલી ઝીણવટભરી માહિતી આપી છે કે આ ભૂતની હેર સ્ટાઇલ, કપડાં અને તેમની સ્ટાઇલ સુધ્ધાં તેમણે તેમાં લખ્યાં છે. તેઓ લખે છે કે આ લેડી ભૂત ૧૯મી સદીની શરૂઆત પહેલાંના સમયનું હોય તેવું લાગે છે. તેઓ કહે છે લેડી ઇન ગ્રે એટલી શરમાળ છે કે તે તેમની સાથે વાત પણ કરી શકતી નહોતી અને સતત વોટરપુલ સામે તાકી રહી હતી. લેડી ઇન ગ્રેની આ વર્તણૂકથી વોરેનને જે સાઇકોલોજિકલ કોલ આવ્યો તે એ હતો કે આ ઇમારતના બાંધકામ વખતે અહીં એક વોટર કેનાલ હતી. જેમાં પડતું મૂડી આ લેડીએ આત્મહત્યા કરી હતી. જેનું ભૂત આજે પણ તે લાઇબ્રેરીમાં ભટકે છે. મિસિસ વોરેન તો ત્યાં સુધી કહે છે કે તેને ખબર જ નથી કે આ એક લાઇબ્રેરી છે અને તેના મૃત્યુ બાદ અહીં આ ઇમારત બંધાઈ હતી અને આજે આ જ કારણથી તે ખૂબ જ કન્ફયૂઝ હોય તેવું દેખાય છે. લેડી ઇન ગ્રેનું ભૂત સૌ પ્રથમ ૧૯૩૦માં વિલાર્ડ લાઇબ્રેરીના કેરટેકરે જોયું હતું. જ્યારે તે મોડી રાત્રે ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીમાં ગયો હતો, તે વખતે રાતના લગભગ ત્રણ વાગ્યા હતા. કેરટેકર તેને જોઈને એટલો બધો ડરી ગયેલો કે તે બીજે દિવસે ખૂબ બીમાર થઈ ગયો અને તેણે લાઇબ્રેરીની નોકરી પણ છોડી દીધી. ત્યારબાદ તેની જગ્યાએ બીજો કેરેટેકર રાખવામાં આવ્યો.

No comments:

Post a Comment