Wednesday 20 May 2015

જિંદગી અને મૃત્યુનો સિલસિલો ચાલતો જ રહે છે. કહેવાય છે કે જેમણે આ ધરતી પર જન્મ લીધો છે, તેમનું મરવાનું નિશ્ચિત છે. ઘણા બધા એવા લોકો પણ છે, જે એ વાત ઉપર પણ વિશ્વાસ કરે છે કે પેદા થતાં પહેલાં જ એ નિર્ધારિત થઈ જાય છે કે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ ક્યાં, કેવી રીતે અને ક્યારે થશે. એટલું જ નહીં પૂર્વજન્મ અને પુનર્જન્મ પર વિશ્વાસ કરનાર બહુ જ આસાનીથી મળી જાય છે. કેટલાક એવા પણ લોકો છે જેઓ અતૃપ્ત અને અશાંત આત્માઓને ઇન્સાની દુનિયામાં હોવાની વાતને માને છે. પરંતુ એક સવાલ કોઈકના મગજમાં પણ આવેલો છે કે આખરે જિંદગી અને મૃત્યુના આ સિલસિલાની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ? આમ તો વિભિન્ન દેશોમાં આ વિષયને સાંકળતી અલગ અલગ વાર્તાઓ છે, પરંતુ આજે આપણે અંદામાન દ્વીપસમૂહના નિવાસીઓની વચ્ચે બહુ જ ચર્ચાસ્પદ એક એવી ઘટના વિશે જાણીશું, જેનો સંબંધ જિંદગી અને મૃત્યુના ચક્રવ્યૂહ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અંદામાન દ્વીપસમૂહ પર રહેનારી વ્યક્તિ, પરામુરુદ પહેલો એવો મનુષ્ય હતો જેણે જિંદગી પછી મૃત્યુનો સ્વાદ ચાખ્યો હતો. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે પોતાના મૃત્યુ પછી તે ભૂત બનીને પાછો પણ આવ્યો હતો. સાંભળવામાં ભલે આ બધું તમને એક ટાઇમપાસ જેવું લાગે, પરંતુ સ્થાનિક લોકો અનુસાર પરામુરુદના મરવાની પાછળ એક બેહદ દર્દભરી વાત છુપાયેલી છે. અંદામાન દ્વીપસમૂહ પર પરામુરુદ પોતાની માતા અને ભાઈ સાથે રહેતો હતો. એક વાર પરામુરુદ શિકાર કરવા ગયો હતો, પરંતુ તે કોઈ પણ જાનવરને મારી શકવામાં સફળ થયો નહોતો અને તેને ખાલીહાથે પાછા ફરવું પડયું હતું. તેની માતાને બહુ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેમ છતાં પણ તે ઘરમાં પહેલેથી જ રાખેલું માંસ પરામુરુદ સામે લઈ આવી અને તેને માંસ કાપવાનું કહ્યું. પરામુરુદ માંસ કાપવા લાગ્યો ત્યાં જ તે ધારદાર ચાકુ તેના પોતાના હાથમાં વાગી ગયું અને આ બધું જોઈને તેની માતાએ તેને કહ્યું, "તું મરી ગયો છે, અમે તને અમારી સાથે જોવા નથી માગતાં, આથી તું અહીંયાંથી દૂર જતો રહે." અસફળ શિકારમાંથી પાછા આવ્યા બાદ આમ પણ તેની માતા બહુ જ ગુસ્સામાં હતી. આથી તે પોતાના બીજા દીકરા સાથે પરામુરુદને જબરજસ્તીથી દફનાવવા માટે નીકળી ગઈ. પરામુરુદને જમીનમાં દાટી દીધા પછી તેઓ જ્યારે ઘરમાં પાછાં ફર્યાં તો પરામુરુદ પહેલેથી જ ઘરમાં હાજર હતો. તેણે પોતાની માતાને પૂછયું કે, "હું મરી નહોતો ગયો તો તમે મને કેમ જમીનમાં દફનાવી દીધો?" તેની માતાએ તેને કહ્યું કે, "હવે આ ઘરને તારી જરૂર નથી, આથી તારું મરવું જ બધા માટે યોગ્ય છે." માતા અને ભાઈએ મળીને કેટલીય વાર પરામુરુદને દફનાવવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે તે મોતના મોંમાંથી પાછો આવી જતો હતો. વારંવાર પ્રયત્ન કરવાને કારણે પરામુરુદની માતા પરેશાન થઈ ગઈ અને તે એને જંગલમાં લઈ ગઈ અને ત્યાં એક ઝાડને કાપીને તેણે પોતાના દીકરાને તેની અંદર જઈને આત્માઓ અને શેતાની તાકાતોની ચીસો સાંભળવાનું કહ્યું. પોતાની માતાની વાત સાંભળીને પરામુરુદ ઝાડની અંદર જતો રહ્યો અને જ્યારે તેણે શેતાની શક્તિઓ હોવાનો આભાસ થવા લાગ્યો તો તેની માતાએ તેને મરી ગયેલો જાહેર કર્યો. આ ઘટનાના થોડા દિવસ પછી પરામુરુદ ભટકતા આત્માના રૂપમાં પોતાના ઘરે પાછો આવી ગયો અને પોતાની માતા અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. અંદામાન દ્વીપસમૂહના લોકો આ દર્દનાક મોતને જ જીવન પછી થતા મૃત્યુનો આધાર માને છે.

No comments:

Post a Comment