Wednesday 20 May 2015

ટીનેજર્સ અને યંગસ્ટર્સ અત્યારે એક વિચિત્ર પ્રકારના'સેલ્ફી કલ્ચર'માં જીવે છે. સેલ્ફી આમ તો નિર્દોષ પ્રવૃત્તિ છે. દરેક પ્રવૃત્તિ એની મર્યાદામાં થાય ત્યાં સુધી જ નિર્દોષ,સહજ અને સ્વીકાર્ય હોય છે. અતિરેક અધોગતિ નોતરે છે. છેલ્લા થોડા સમયમાં સેલ્ફીના જે કિસ્સાઓ બહાર આવ્યા છે એ પછી સાઇકોલોજિસ્ટ્સે સેલ્ફીમાં સાવધાની વર્તવાની સલાહ આપી છે. સેલ્ફીનો ક્રેઝ ગાંડપણની હદ સુધી વકરતો જાય છે. સુંદર સેલ્ફી માણસને ર્નાર્સિસ્ટ બનાવે છે,બીભત્સ સેલ્ફી આફત નોતરે છે અને જો પૂરતી સમજ ન હોય તો સેલ્ફીના કારણે ડિપ્રેશન પણ આવી જાય છે. સેલ્ફી લો, અપલોડ કરો,લાઇક્સ અને કમેન્ટ્સ પણ મેળવો પણ જરા સંભલ કે!બ્રિટનમાં એક યંગસ્ટર્સે હમણાં આપઘાતનો પ્રયાસ કર્યો. કારણ શું હતું?એની સેલ્ફી સારી આવતી ન હતી! આ છોકરો દરરોજ દસ કલાકથી વધુ સમય મોબાઇલ પર બિઝી રહેતો. સારી સેલ્ફી આવે એટલે તેણે બાર કિલો વજન ઘટાડયું હતું. આખો દિવસ ફોન સાથે ચોંટેલો રહેતો હોવાથી એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મા-બાપ સાથે પણ એ ઝઘડા કરતો! બહુ મહેનત કરવા છતાં એની સેલ્ફી સારી ન આવતાં આખરે એણે આપઘાતનો પ્રયાસ કર્યો. સદ્નસીબે એ બચી ગયો. તેને માનસિક સારવાર આપવામાં આવી. એછોકરાએ કહ્યું કે હું દરરોજ ઓછામાં ઓછી ૨૦૦ સેલ્ફી લેતો હતો! સાઇકિયાટ્રિસ્ટ્સનું કહેવું છે કે તેને ફ્રેન્ડ્સનું સતત'એપ્રૂવલ'જોઈતું હતુંકે તે સુંદર છે! એને એ સમજ જ ન હતી કે એ જોખમી રમત રમી રહ્યો છે!આપણે ત્યાં પણ એવા અસંખ્ય ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે જે દરરોજ પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલાવે છે. ઘણા તો દિવસમાં ત્રણ-ચાર વાર પણ ફોટો ચેઇન્જ કરતાંરહે છે. એ ક્યાંય પણ જાય તો સેલ્ફી લેવામાં જ બિઝી હોય છે. એને બીજી કંઈ જ પડીહોતી નથી. મેરેજમાં જશે તો ડેકોરેશન પાસે ઊભા રહીને સેલ્ફી લેતા હશે. મોલમાં તો આવાં દૃશ્યો કોમન થઈ ગયાં છે.શ્રીલંકાના એલન નામના યુવાને થોડા દિવસ અગાઉ જ તેના કાકાની ડેડબોડી સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ સેલ્ફીની બહુ ટીકા થઈ. અમેરિકામાં એક ટીનેજર છોકરીએ સેમી ન્યૂડ સેલ્ફી લઈ અપલોડ કરીને લખ્યું હતું કે,એમ આઈ નોટ બ્યુટીફૂલ?ઇન્સ્ટાગ્રામ ઉપર હોલિવૂડ અભિનેત્રીઓની અસંખ્ય ન્યૂડ સેલ્ફી અપલોડ થઈ છે. એક કપલે સેક્સ પછીની સેલ્ફી અપલોડ કરી હતી. સવાલ એવો થાય કે માણસ આખરે શા માટે આવું કરતો હશે? જવાબ સીધો અને સટ છે. બધાંને 'એપ્રૂવલ' જોઈએ છે, બધાંને રેકગ્નિઝેશન જોઈએ છે, બધાંને લાઇક્સ જોઈએ છે, બધાંને કમેન્ટ્સ જોઈએ છે, બધાંને નોટિસ થવું છે!હવે એક બીજી વાત સાંભળો. અમેરિકામાં એક યંગ ગર્લે પોતાની સેલ્ફી લઈ અપલોડ કરી.તેના ટીખળી ફ્રેન્ડ્સે એવી કમેન્ટ્સ કરી કે તારું નાક ત્રાંસું છે,તારો હુલિયો ભંગાર છે,તૈયાર થવાની તને તમીઝ જ નથી. આ છોકરી આવી કમેન્ટ્સ વાંચી ડિપ્રેશનમાં સરી ગઈ. તેનું કાઉન્સેલિંગ કરવું પડયું કે બ્યુટી જ બધું નથી. આવડત અને નોલેજથી માણસની ઓળખ સાબિત થાય છે. માણસ સહાનુભૂતિ મેળવવા માટે પણ સેલ્ફી અપલોડ કરતાં હોય છે. અમેરિકાના અલાબામાની ટાઉની વિલોધબી નામની યુવતી અત્યંત સ્વરૂપવાન હતી. અચાનક તેને સ્કિનનું કેન્સર થયું. તેના મોઢા પર લોહીનાંલાલ ચકામાં ઉપસી આવ્યાં. તેણે પોતાની સુંદર તસવીર સાથે કેન્સરનાં ચકામાંવાળી તસવીર અપલોડ કરી અને અરેરાટી મચી ગઈ. ટાઉનીની તસવીર પચાસ હજાર વખત શેર થઈ! આ યુવતીએ લોકોની સહાનુભૂતિ બદલ આભાર માન્યો હતો!સેલ્ફી લેવાની લાયમાં મરી ગયા હોય એવા તો અનેક કિસ્સા છે. હજુ ગયા અઠવાડિયાની જ વાત છે. રોમાનિયાની અના ઉરસુ નામની ૧૮ વર્ષની છોકરી સેલ્ફી લેવા માટે ટ્રેનના ડબાની ઉપર ચડી. એના હાઇ વોલ્ટેજ વાયરને અડી ગઈ અને તરત જ તેનું મોત થયું. આપણા દેશમાં જ ત્રણ ટીનેજર છોકરી પાછળ ટ્રેન આવતી હોય એવી સેલ્ફી લેવા પાટા ઉપર ઊભી હતી. મોબાઇલ સામે જોવામાં તેને ભાન જ ન રહ્યું કે ટ્રેન સાવ નજીકઆવી ગઈ છે. આ ત્રણેય ટ્રેન નીચે કપાઈ ગઈ હતી. મેક્સિકોનો એક યુવાન પોતાના કપાળે ગન રાખીને સેલ્ફી લેતો હતો. ફોટો ક્લિક કરવા જતાં ગનની ટ્રિગર દબાઈ ગઈ અને તેનું ત્યાંને ત્યાં મોત થયું. રશિયામાં ૧૭ વર્ષની એક છોકરી એક પુલ ઉપરથી સેલ્ફી લેતી હતી. તેણે બેલેન્સ ગુમાવ્યું અને એ સીધી નીચે પાણીમાં પડી અને ડૂબીને મરી ગઈ.મુંબઈની એક કોલેજના પ્રોફેસરે કહ્યું કે,અત્યારની જનરેશન 'ટેક્નોલોજી એડિક્ટ'થઈ ગઈ છે. તેને મોબાઇલ,ટેબલેટ કે લેપટોપ વગર ચાલતું નથી. સ્કૂલ અને કોલેજમાં મોબાઇલ લાવવાની મનાઈ ફરમાવાઈ હોવા છતાં સ્ટુડન્ટ્સ લાવે છે. બાઇકની ડિકીમાં અથવા કારમાં મૂકીને આવે છે. તપાસ કરીએ તો એક કરતાં વધુ ફોન મળી આવે છે. અમારી એક લિમિટ હોય છે. એક હદથી વધુ અમે યંગસ્ટર્સને કંઈ કહી શકતા નથી. ખરું ધ્યાન તેનાં પેરેન્ટ્સે રાખવાનું હોય છે. મોંઘા ફોન લઈ આપો તેનો કંઈ વાંધો નથી પણ છોકરાંવ તેનો કેવો ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.દિલ્હીના એક સાઇકોલોજિસ્ટ કહે છે કે,સેલ્ફી લેવામાં યંગસ્ટર્સ એટલા બધા એન્ગેજ હોય છે કે એ ઘટનાને ફીલ જ કરી શકતા નથી. ફોટા જ લેતા હોય છે. અરે,તમે જ્યાં છો એનો અહેસાસ તો કરો! ઝરણાં સાથે ફોટો લેવો એક વાત છે અને ઝરણાને ફીલ કરવું એ બીજી વાત છે. કોઈ પણ પાર્ટીમાં તમે જાવ તો તમને લોકો સેલ્ફી લેતાં જ જોવા મળે. હવે તો યંગસ્ટર્સ સેલ્ફી સ્ટિક પણ સાથે જ રાખવા માંડયા છે!અમેરિકાના મીડિયા સાઇકોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. પામેલા રૂટલેગ કહે છે કે,જેની સેલ્ફી સારી આવે છે એના ઉપર 'ર્નાર્સિઝમ'માં સરી પડવાનો ભય રહે છે. હું સુંદર છું, બ્યુટીફૂલ છું, સેક્સી છું,હેન્ડસમ છું એવા વહેમમાં આવી જાય છે. અને જેની સેલ્ફી સારી નથી આવતી એ પોતાને નબળો સમજવા માંડે છે. આમ,સેલ્ફીમાં બંને તરફનું જોખમ રહે છે. ટીનેજર્સમાં એટલી સમજ નથી હોતી કે નેગેટિવકમેન્ટ્સને કેવી રીતે ટેકલ કરવી! એને તરત લાગી આવે છે. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડો. એન્ડ્રિયા લેશમેન્ડી કહે છે કે કેવી સેલ્ફી લેવી અને કેવી સેલ્ફી ન લેવી એની સમજ પણ હવે જરૂરી બની ગઈ છે. તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે કેવી હરકતમાં સેલ્ફી લો છો અને અપલોડ કરે છો તેના ઉપરથી લોકો તમારું માપ કાઢતાહોય છે અને તેનાથી તમારી એક ઇમેજ બંધાતી હોય છે. જે લોકો દરરોજ સેલ્ફી અપલોડ કરે છે એના વિશે પાછળથી તો એવી જ વાતો થતી હોય છે કે હાલી નીકળ્યા છે, બીજું કોઈ કામ જ નથી, પોતાને હીરો કે હિરોઇન સમજે છે! લાઇક કરનારા પણ ટીકા કરતાં હોયછે!સેલ્ફીનો ક્રેઝ જોઈને લોકોને આકર્ષવા હવે તો સેલ્ફીની એપ પણ આવી ગઈ છે. આ એપ માણસ હોય એના કરતાં સારા દેખાય એવી તસવીર ખેંચી આપે છે. સામાન્ય સંજોગોમાં તો પોતાના હાથે જ સેલ્ફી લેવાની હોવાથી અને ડિસ્ટન્સ ઓછું હોવાથી સેલ્ફી સારી આવતી નથી,એટલે ઘણાં લોકો સેલ્ફી અપલોડ કરવાનું ટાળે છે. જોકે,યંગસ્ટર્સ લાંબો વિચાર કરતાં નથી. એ તો ફટ દઈને સેલ્ફી અપલોડ કરી દે છે. સેલ્ફી માટે મેકઅપ, ડ્રેસ,પોઝ અને પ્લેસ મહત્ત્વનાં ગણાય છે. સેલ્ફી માણસનો'મૂડ એક્સપ્રેસ' કરે છે. જોકે,માણસ ડિસ્ટર્બ હોય ત્યારે સેલ્ફી લેવાનું ટાળે છે.તમે સેલ્ફી લેતી વખતે શું વિચારો છો?શા માટે સેલ્ફી લો છો?સાઇકોલોજિસ્ટ્સ કહે છે કે આ અને આવા બીજા પ્રશ્નોના જવાબ માણસની માનસિકતા છતી કરે છે. મનોચિકિત્સક જોકે એમ પણ કહે છે કે સેલ્ફીના ઘણા ફાયદા પણ છે. સેલ્ફીથી માણસ ઇન્ટરેક્ટ કરતો થાય છે. તમે સેલ્ફી અપલોડ કરો પછી કોઈ કમેન્ટ્સ કરે તો તમે તેને જવાબ આપો છો. થેંક્યુ કહો છો. ક્યાંનો ફોટો છે એમ પૂછે તો જવાબ આપો છો. એરીતે માણસ ઇન્ટરેક્શન શરૂ કરે છે અને થોડોક એક્સ્ટ્રોવર્ટ થાય છે. ઘણા લોકોને વળી એકલાની સેલ્ફી લેવાનું ગમતું નથી. એવા લોકો પોતાના ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ સાથે સેલ્ફી લે છે. તેનાથી થોડુંક એટેચમેન્ટ પણ વધે છે. તમે જેની સાથે સેલ્ફી લો તેને એવું લાગે છે કે આ વ્યક્તિને મારી કદર છે. હું તેના માટે ઇમ્પોર્ટન્ટ છું.

No comments:

Post a Comment