Wednesday 20 May 2015


તમે ક્યારેય મોથમેનનું નામ સાંભળ્યું છે? મોથમેન એ એક મોટો-લાંબો, ડરામણા ચહેરાવાળો, થોડો થોડો ચામાચીડિયા અને ઘુવડ જેવો લાગતો જીવ હતો. તે પહેલી વાર અમેરિકાના ઓહિયો રાજ્યમાં ૧૯૬૬ના વર્ષમાં જોવા મળ્યો હતો. જે લોકોએ આ જીવ જોયો હતો તેઓ કહે છે કે મોથમેનનું રૂપ ખરેખર ભયંકર હતું. તેની ઊંચાઈ દસ ફૂટથી વધારે, બે મોટી મોટી ચમકદાર આંખો અને વિશાળ પાંખો હતી
વર્ષ ૧૯૬૬માં ઓહિયો શહેરમાં કબ્રસ્તાનમાં એક સાંજે અમુક વ્યક્તિઓ કબર ખોદી રહી હતી. આકાશમાં અજવાળું ઓછું થઈ રહ્યું હતું. આ દરમિયાન તેમણે અચાનક જ એક વિચિત્ર જીવ જોયો, જેને વિશાળ પાંખો હતી. તે જીવ કબ્રસ્તાનના એક વૃક્ષ પર બેઠો હતો અને અચાનક જ તે એમની ઉપરથી ઊડીને આકાશમાં દૂર ક્યાંક જતો રહ્યો. કબર ખોદનારાઓ ખૂબ જ ડરી ગયા. તેમણે જ્યારે આ વિચિત્ર જીવની વાત બધાને કરી ત્યારે કોઈ તેમની વાત માનવા તૈયાર નહોતું.
આ ઘટનાના બરાબર ત્રણ દિવસ પછી ૧૫ નવેમ્બર, ૧૯૬૬ના રોજ ફરીથી આ જીવ બે કપલ્સને પોઇન્ટ પ્લેઝન્ટ પાસે જોવા મળ્યો. તેમણે પોલીસને જાણ કરીને કહ્યું કે, તેમણે એક ડરામણો અને વિચિત્ર જીવ જોયો છે. જેને પાંખો હતી અને લાલ મોટી આંખો હતી. ડરામણા મોથમેનને એક વ્યક્તિએ જોયો. તેણે કહ્યું, "૧૫ નવેમ્બરની સાંજે હું મારા ઘરમાં બેઠો હતો અને બહાર અચાનક અજીબોગરીબ અવાજ સાંભળવા મળ્યા. બહાર લગભગ અંધારું છવાઈ ચૂક્યું હતું. હું અવાજ સાંભળીને બગીચામાં ગયો. ત્યાંનું દૃશ્ય જોઈને હું ખૂબ જ ગભરાઈ ગયો. બગીચામાં એક ઝાડની પાસે મેં એવો જીવ જોયો જે મેં કલ્પનામાં પણ નહીં જોયો હોય. તે મનુષ્ય તો નહોતો જ કે કોઈ જાનવર જેવો પણ નહોતો. તેને જોઈને મારો કૂતરો પણ ડરી ગયો હતો. તે જોર જોરથી ભસવા લાગ્યો. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. હું ડરના માર્યો ઝડપથી ઘરની અંદર જતો રહ્યો અને બારી-દરવાજા વાખી દીધા. તે ઘટના પછી મને મારો કૂતરો ફરી ક્યારેય જોવા નથી મળ્યો. મારા ઘરમાંથી કૂતરાના કૂદીને બહાર જવાની શક્યતા પણ નહોતી. ચોક્કસ તે ડરામણો જીવ જ મારા કૂતરાને ઉપાડી ગયો હશે."
આમ, ઓહિયો શહેરમાં એક પછી એક અનેક લોકોએ આ જીવને જોયો હોવાનો દાવો કર્યો. ત્યારબાદ આ જીવની વાત વાયુવેગે પ્રસરી ગઈ. સ્થાનિક અખબારોએ આ જીવને મોથમેન એવું નામ આપ્યું. મોથમેનને જોનારની સાથે કોઈ ને કોઈ ખરાબ ઘટનાઓ ઘટતી હતી. લોકો તેને અપશુકનિયાળ માનવા લાગ્યા. આ જીવને જોવાનો અર્થ એ હતો કે બહુ જલદી તેમના પર કોઈ મોટી મુસીબત આવવાની છે. મોથમેન સાથે જોડાયેલી સૌથી મોટી ઘટના ઓહિયો શહેરના સિલ્વર બ્રિજની હતી. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૭માં ઓહિયો શહેરનો પ્રસિદ્ધ સિલ્વર બ્રિજ અચાનક જ તૂટી પડયો. જેમાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા આશરે ૪૬ લોકો મૃત્યુ પામ્યા અને અનેક લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના બની તે પહેલાં મોથમેનને કેટલાંયે લોકોએ બ્રિજ પાસે જોયો હોવાનું જણાવ્યું. શહેરના લોકો બ્રિજની દુર્ઘટના પાછળ મોથમેન જવાબદાર હોવાનું માને છે.
દુર્ઘટનાની તપાસ બાદ તો બ્રિજની નબળી સંરચના જવાબદાર હોવાનું જણાયું, પરંતુ લોકો તો આ દુર્ઘટનાને મોથમેન સાથે જ જોડતા હતા. બ્રિજ તૂટી પડયાની ઘટના પછી મોથમેન કોઈને જોવા ન મળ્યો.
ઓહિયો શહેરના અને વેસ્ટ ર્વિજનિયાના સોથી પણ વધારે લોકોએ મોથમેનને જોવાનો દાવો કર્યો હતો. મોથમેન સાથે જોડાયેલી ઘટનાઓ વિશે અનેક વાર સ્થાનિક અખબારોમાં સમાચાર છપાયા. આ જીવ પર શોધ અને ઘણી ચર્ચાઓ પણ થઈ, પરંતુ અંતે વિશેષજ્ઞાોના હાથ કંઈ ન લાગ્યું. એક વર્ષમાં જ મોથમેનને જોયાના સમાચાર આવવાના લગભગ બંધ થઈ ગયા.
કેટલાંક લોકો મોથમેનને અપશુકનિયાળ માનતા હતા, તો કેટલાંક લોકો તેને ભગવાનનો દૂત માનવા લાગ્યા. તેમના મતે કદાચ તે બ્રિજ તૂટવાની જાણકારી આપવા માટે જ ત્યાં આવ્યો હશે. મોથમેન ક્યાંથી આવ્યો હતો? કોણ હતો? શું કામ આવ્યો હતો? તે સારો હતો કે ખરાબ? તે ભગવાનનો દૂત હતો, એલિયન હતો કે કોઈ પિશાચ હતો? આ બધા જ સવાલોના જવાબ તેના ગાયબ થઈ જવાની સાથે રહસ્ય બની ગયા. ત્યારબાદ મોથમેન પર અનેક પુસ્તકો લખાયાં અને ફિલ્મો પણ બની. વેસ્ટ ર્વિજનિયાના પોઇન્ટ પ્લેઝન્ટ ખાતે મોથમેનનું સ્ટેનલેસ સ્ટીલનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું

No comments:

Post a Comment