Wednesday 20 May 2015

દુનિયાભરમાં ૧૩ નંબરને, જ્યારે જાપાનમાં ૪૨ નંબરને અશુભ માનવામાં આવે છે. અશુભ અંકવાળી વસ્તુઓ ક્યારેય કોઈ લેતું નથી. ત્યાં ૪૨ નંબર અપશુકન સાથે જોડાયેલો છે. જાપાનના કારરેસર અસાનો મોસાનાએ આ વાતને અંધવિશ્વાસ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને સફળતા ન મળી
બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું. સમગ્ર દુનિયામાં યુદ્ધ પછી શાંતિ પ્રસરેલી હતી. દુનિયાભરમાં સ્થિતિ સામાન્ય બની રહી હતી. અણુબોમ્બની તબાહી અને સદમામાંથી જાપાન બેઠું થઈ રહ્યું હતું. યુદ્ધની યાદો ભૂલીને તે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું હતું. મે ૧૯૬૩માં જાપાને બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વાર કારરેસનું મોટાપાયે આયોજન કર્યું હતું. તે સમયમાં અસાનો મોસાના જાપાનનો પ્રસિદ્ધ કારરેસર હતો.
એવું કહેવાય છે કે અસાનો મોસાના જે પણ કારરેસમાં ભાગ લેતો તેમાં તે અચૂક જીત મેળવતો હતો. તેણે મે ૧૯૬૩માં યોજાયેલી કારરેસમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેની કારનો નંબર ૪૨ હતો. જાપાનમાં ૪૨ નંબરને અશુભ માનવામાં આવે છે. ત્યાં તેને મૃત્યુનો પ્રતીક નંબર માનવામાં આવે છે. જે રીતે પશ્ચિમી દેશોમાં ૧૩ નંબરને અશુભ માનવામાં આવે છે તેમ. કારના ૪૨ નંબરને કારણે કેટલાંયે લોકોએ અસાનો મોસાનાને કાર બદલવા કહ્યું. કેટલાકે તો અપશુકન થાય છે તેમ કહીને કારરેસમાં ભાગ ન લેવા પણ કહ્યું. અસાનોએ આ બધી બાબતોને અંધવિશ્વાસ કહીને પોતાની કારનો નંબર ૪૨ જ રાખ્યો અને તે કારની સાથે રેસમાં ભાગ પણ લીધો.
કારરેસિંગ દરમિયાન કોઈ રીતે તેની કાર બહુ ખરાબ રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં અસાનો મોસાનાનું મૃત્યુ થયું. અસાનોનો વિશ્વાસ ખોટો અને લોકોનો અંધવિશ્વાસ સાચો સાબિત થયો. દેશના એક પ્રસિદ્ધ કારરેસરની સાથે ઘટેલી ઘટનાને કારણે જાપાન ઓટો ફેડરેશને કારરેસમાં ૪૨ નંબરની કાર પર પ્રતિબંધ લગાવી દીધો. ત્યાર પછી કોઈ કારનો નંબર ૪૨ નહોતો રખાતો.
કોઈના ન રહેવાથી દુનિયા થંભી નથી જતી. અસાનોના મૃત્યુના એક વર્ષ પછી ફરીથી કારરેસિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કારરેસ પાછલી કારરેસની તુલનામાં બહુ મોટા પાયા પર આયોજિત કરવામાં આવી હતી. ટ્રેકની બંને બાજુ આશરે દોઢ લાખ દર્શકો ઉપસ્થિત હતા. આ રેસમાં ૪૨ નંબરની કોઈ કાર નહોતી, છતાંય ચાલુ રેસમાં અસાનોની કાર નંબર ૪૨ને થોડા સમય માટે ટ્રેક પર લાખો લોકોએ દોડતી જોઈ. જે થોડી વાર પછી ગાયબ થઈ ગઈ હતી. વળી, કેટલાકે તો એ કારમાં અસાનોના હોવાનો દાવો પણ કર્યો હતો. લોકોનું માનવું છે કે આ અસાનો મોસાનાનું ભૂત જ હતું, જેણે કાર નંબર ૪૨માં સવાર થઈને આ રેસમાં ભાગ લીધો હતો.
જોકે, તે દિવસ બાદ અસાનોની કાર કે તેનું ભૂત ફરી કોઈને જોવા મળ્યાં નથી. એવું બની શકે કે મૃત્યુ બાદ તે ૪૨ નંબર અશુભ નથી તેમ સાબિત કરવા જ રેસમાં જોવા મળ્યો હોય. આ ઘટના પછી પણ ૪૨ નંબરની કાર પરનો પ્રતિબંધ યથાવત્ જ રાખવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment