Wednesday 20 May 2015


મનુષ્યના મનુષ્ય, પાલતુ કે જંગલી જાનવરો, વૃક્ષ-છોડ સાથે લાગણીના સંબંધો જોડાયેલા હોય છે. એવા કેટલાંય કિસ્સાઓ જોવા મળે છે જેમાં કૂતરાએ પોતાના માલિકનો જીવ બચાવ્યો હોય કે માલિકના મૃત્યુ પછી તેણે ખાવા-પીવાનું છોડી દીધું હોય, પરંતુ અહીં પ્રશ્ન થાય કે શું વૃક્ષો પણ આવું કરી શકે? હરિયાણાના પાણીપતમાં આંબાના વૃક્ષ સાથે કંઈક આવું જ થયું હતું.
આંબાનું ફળ એટલે કે કેરી એ ફળોનો રાજા છે. અનેક પ્રકાર અને સ્વાદની કેરીઓ આપણે ત્યાં મળે છે. ભારતભરમાં લગભગ બધે જ આંબા જોવા મળે છે, પરંતુ જે તે જગ્યાના આંબાની કેરી અને પ્રકાર અલગ-અલગ હોય છે. હરિયાણાના પાણીપતમાં એક એવો આંબો હતો જે તદ્દન અલગ હતો. તે એક યુદ્ધ બાદ કાળા રંગનો થઈ ગયો હતો અને તેનાં ફળ કાપતા તે રક્તવર્ણું દેખાતું. તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
દરેક જગ્યાના નામની પાછળ કોઈ ને કોઈ કથા જોડાયેલી હોય છે, જેને બહુ ઓછા લોકો જાણતા હોય છે. વર્ષો પહેલાં બનેલા વિસ્તારોનાં નામ સાથે સંકળાયેલી સ્ટોરી ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. ભારતના હરિયાણા રાજ્યમાં આવેલું એક આવું જ સ્થળ છે કાલા અંબ. આ જગ્યાએ પાણીપતનું ત્રીજું યુદ્ધ ખેલાયું હતું. કાલા અંબ જગ્યાનું નામ અહીંના એક આંબા પરથી પડયું છે, જેને કાપવાથી લોહી નીકળતું હતું.
પાણીપતની જમીન પર ત્રણ મોટાં યુદ્ધ લડાયાં હતાં. જેમાં ક્રમશઃ પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈ.સ. ૧૫૨૬, બીજું યુદ્ધ ઈ.સ. ૧૫૫૬ અને ત્રીજું યુદ્ધ ઈ.સ. ૧૭૬૧માં થયું હતું. પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને મોગલો વચ્ચે લડાયું હતું. મરાઠાઓ તરફથી સદાશિવરાવ ભાઉ અને મોગલો તરફથી અહમદશાહ અબ્દાલીએ નેતૃત્વ કર્યું હતું. પાણીપતના ત્રીજા યુદ્ધમાં હરિયાણા, મહારાષ્ટ્ર તથા અન્ય મરાઠા સામ્રાજ્યના અનેક લોકોએ ભાગ લીધો હતો. આ યુદ્ધને ભારતમાં મરાઠા સામ્રાજ્યના અંત તરીકે જોવામાં આવે છે. આ યુદ્ધમાં અહમદશાહ અબ્દાલીની જીત થઈ હતી.
પાણીપતની યુદ્ધભૂમિમાં એક મોટું આબાનું વૃક્ષ હતું. એવું કહેવાય છે કે પાણીપતના ત્રીજા યુદ્ધ દરમિયાન લડાઈ કર્યા પછી થાકેલા સૈનિકો આ વૃક્ષની નીચે આરામ કરતા હતા અને ઘાયલ સૈનિકોની સારવાર થતી હતી. આમ, આંબાના આ વૃક્ષનો સૈનિકો સાથે અનોખો સંબંધ હતો. પાણીપતનું ત્રીજું યુદ્ધ ખૂબ જ ભયંકર હતું. બંને તરફથી અનેક સૈનિકોના વધ થયા. આ ભીષણ યુદ્ધમાં થયેલા રક્તપાતને કારણે આ જગ્યાની માટી પણ લાલ રંગની થઈ ગઈ હતી. જેની અસર આ આંબાના વૃક્ષ પર પણ થઈ.
લોહીને કારણે આંબાના વૃક્ષનો રંગ કાળો થઈ ગયો અને ત્યારથી જ આ જગ્યા 'કાલા અંબ' તરીકે ઓળખાવા લાગી. આ યુદ્ધમાં આશરે ૭૦ હજાર મરાઠા સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. એક સૌથી આશ્ચર્ય પમાડનારી અને રસપ્રદ વાત એ છે કે આ વૃક્ષ પર ઊગેલી કેરીને કાપવાથી તેમાંથી જે રસ નીકળતો હતો તેનો રંગ રક્ત જેવો લાલ હતો, જે યુદ્ધ પહેલાં આવો નહોતો.
પોતાની છાયા તળે આરામ કરતા મિત્ર, સંતાનો કે પછી જે કહો તે, તેમના મૃત્યુ પછી થોડા જ સમયમાં આ આંબો સુકાઈ ગયો. ત્યારબાદ તેને કવિ પંડિત ચંદ રઈસે ખરીદી લીધો. સુગનચંદે આ વૃક્ષનાં લાકડાંમાંથી સુંદર દરવાજાઓ બનાવડાવ્યા, જેથી કાલા અંબનો ઇતિહાસ તે દરવાજાના રૂપમાં વર્ષો સુધી જળવાઈ રહે. હવે આ દરવાજાઓને પાણીપત મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં આ આંબાનું વૃક્ષ હતું તે જગ્યાને કાલા અંબ તરીકે ઓળખવામાં આવે છે અને તે જગ્યાએ હવે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

No comments:

Post a Comment