Wednesday 20 May 2015


સંસારમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં સદીઓ પહેલાં ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનારાઓના આત્મા ભટકે છે અને આજેેય તે જગ્યાઓ પર જનારાઓને પોતાના હોવાનો અહેસાસ કરાવીને ડરાવે છે. આવી જ બે જગ્યાઓ છે જેમાંથી એક છે પ્રસિદ્ધ નાયગ્રા ફોલ પાસેની ગુફા અને બીજી છે એડિનબર્ગનો કિલ્લો અને સુરંગ.
નાયગ્રા ફોલ (ધોધ) દુનિયાભરના પર્યટકોમાં મશહૂર છે. નાયગ્રા ફોલ દુનિયાભરના પ્રાકૃતિક આશ્ચર્યોમાંથી એક છે. નાયગ્રા ફોલની પાસે એક ગુફા આવેલી છે. તે ટોરન્ટો તથા ન્યૂ યોર્કને જોડનારી રેલવે લાઇનની નીચે બનેલી છે. નાયગ્રા ફોલ જોવા આવનારા પ્રવાસીઓ આ ગુફા જોવા પણ જાય છે. તેની પાછળનું કારણ ગુફાની કોઈ ખાસિયત નહીં, પરંતુ ગુફા સાથે જોડાયેલી ડરામણી કથા છે. આ ગુફામાં કોઈ ભૂતપ્રેત હોવાનું લોકો કહે છે. લોકો ભૂતના ડર સાથે રૂબરૂ થવા માટે પણ અહીં આવે છે.
આ ગુફામાં માચીસ, લાઇટર અથવા કોઈ પણ પ્રકારની આગ સળગાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે જેણે પણ આ ગુફામાં આગ સળગાવવાનો પ્રયત્ન કર્યો છે તેનું મૃત્યુ થઈ ગયું છે. ગુફામાં જનારા કેટલાય લોકો આજ સુધી પાછા આવ્યા નથી. ગુફામાં એકસાથે જનારા અનેક લોકોને ત્યાં ભૂતપ્રેતના હોવાનો વિવિધ રીતે અનુભવ થયો છે.
આ ગુફા સાથે એક રસપ્રદ અને ડરામણી કથા જોડાયેલી છે. ગુફાના દક્ષિણ દિશાના પ્રવેશદ્વારની પાસે બનેલા ફાર્મહાઉસમાં એક વાર કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ ખૂબ જ ભયાનક હતી. તેમાં એક યુવતી બળીને ખાખ થઈ ગઈ. તે ફાર્મહાઉસમાં આગ શા માટે અને કેવી રીતે લાગી હતી તે બાબતનું રહસ્ય આજ સુધી અકબંધ છે.
આગની જ્વાળાઓથી ભડભડ બળતી તે યુવતીને બચાવનારું ત્યાં કોઈ નહોતું. પીડાને કારણે વ્યાકુળ થયેલી તે યુવતીએ આ ગુફાના દક્ષિણ પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો અને ગુફાની અંદર જ મરણચીસો પાડી પાડીને દમ તોડયો. આ ઘટના પછી અનેક લોકોએ ગુફામાં અગનગોળો જોવાની સાથે સાથે યુવતીની કારમી ચીસોનો અવાજ સાંભળ્યો છે. ત્યારથી જ જો કોઈ ગુફામાં આગ સળગાવવાનો પ્રયત્ન કરે તો તેનું મૃત્યુ થઈ જાય છે.
ભૂતિયા સુરંગમાં કોઈ બેગપાઇપર વગાડે છે
એડિનબર્ગ શહેર યુરોપના ભૂતિયા શહેરના નામથી પ્રસિદ્ધ છે. અહીંનો કિલ્લો પણ ભૂતિયા કિલ્લા તરીકે પ્રસિદ્ધ છે. આ કિલ્લો લગભગ ૯૦૦ વર્ષ પહેલાં ૧૨મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યો હતો. છઠ્ઠી શતાબ્દીથી લઈને ૧૬૦૩ સુધી આ કિલ્લો સ્કોટલેન્ડના રાજાઓનું શાહી નિવાસ હતો. એડિનબર્ગનો કિલ્લો એક નિષ્ક્રિય જ્વાળામુખીના મુખ પર બનેલો છે. કિલ્લાના નિર્માણ પછી તે મોટેભાગે સૈનિક છાવણી તરીકે ઉપયોગમાં લેવાયો હતો. આ દરમિયાન કિલ્લા પર અનેક વાર આક્રમણ થયાં તથા અનેક સૈનિકોની નિર્મમ હત્યાઓ પણ થઈ હતી. તેમનાં પ્રેત આજે પણ કિલ્લા અને તેની આસપાસની જગ્યાઓમાં ભટકે છે. પર્યટકો અને પેરાનોર્મલ એક્ટિવિટીનું સર્વેક્ષણ કરનારા અનેક લોકોને અહીં ધૂંધળી આકૃતિઓ અને શરીરમાં એક વિચિત્ર બળતરાનો અનુભવ થયો છે. કહેવાય છે કે આ કિલ્લામાં ઘણી સુરંગો હતી. જેમાંથી એક સુરંગનો રસ્તો હોલીરુડ કાસલ (કિલ્લો) સુધી જતો હતો.
સુરંગને હોલીરુડ કાસલ સાથે એટલા માટે જોડવામાં આવી હતી કે જેથી કોઈ હુમલો કરીને રાજાને પકડવાનો પ્રયત્ન કરે ત્યારે તેઓ આ રસ્તે સુરક્ષિત જગ્યાએ ભાગી શકે. આ સુરંગનો રસ્તો તપાસવા માટે રાજાએ એક બેગપાઇપર વગાડવાવાળાને સુરંગમાં મોકલ્યો, પરંતુ તે સુરંગમાં જ ક્યાંક ગુમ થઈ ગયો. તેનું શબ પણ સુરંગમાં શોધવા છતાં ન મળ્યું. કહેવાય છે કે ત્યારથી લઈને આજ સુધી તે સુરંગમાં રાત્રે બેગપાઇપરની ધૂન સાંભળવા મળે છે અને કોઈ અજીબ હલચલ થતી પણ જણાય છે. એવી પણ માન્યતા છે કે એડિનબર્ગ કિલ્લાના દરેક રૂમ, દરેક સુરંગને ભૂતોએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે અને અંદર જનારને ભગાડવામાં તેઓ કોઈ કસર બાકી નથી છોડતા.

No comments:

Post a Comment